ઈતિહાસ

આત્મીય જ્ઞાતિજનો,

            આજરોજ આધુનિક યુગ ને અનુરૂપ શ્રી આદીપુર લોહાણા સમાજ પોતાની આગવી વેબસાઈટ ખુલ્લી મુકતા ગૌરવ અને હર્ષ ની લાગણી અનુભવે છે,આ પ્રસંગે મહાજનવાડી ના પાયા ના પથ્થરો ને ભૂલી શકાય નહીં.

          સ્વ. શ્રી બળવંતરાય ધારશીભાઈ સોમેશ્વર, સ્વ. શ્રી ખીમજીભાઈ વેલજીભાઈ સચદે, સ્વ. શ્રી ચત્રભુજ મુળજીભાઈ માણેક, સ્વ. શ્રી કેશવજીભાઈ વલમજીભાઈ રૂપારેલ, સ્વ. શ્રી કુંવરજીભાઈ દેવચંદભાઈ ગંધા, શ્રી વીરજીભાઈ ટોકરશીભઈ ભીંડે તથા અન્ય અગ્રણીઓના સક્રિય પ્રયત્નો થી તા. ૨૦-૦૧-૧૯૭૨ ના રોજ શ્રી આદીપુર લોહાણા સમાજની સ્થાપના કરવામાં આવેલ હતી.

          સમાજમાં કુટુંબોની સંખ્યા વધતા એક સમાજવાડી ની જરૂરીયાત ઉભી થતા તે અંગેના પ્રયત્નો હાથ ધરવામાં આવતા તે વખત ના તત્કાલીન પ્રમુખ સ્વ. શ્રી બળવંતરાય ધારશીભાઈ સોમેશ્વર ની દીર્ઘદ્રષ્ટિથી તેમજ જ્ઞાતિના સદૂગત શ્રી પ્રેમજીભાઈ ઠક્કર અને હાલના એસ.આર.સી ના અધ્યક્ષા(લોહાણા જ્ઞાતિના હિતેચ્છુ) શ્રીમતી નિર્મલાબેન ગજવાણીના સઘન પ્રયત્નો થકી આપણા સમાજને આદિપુરમાં વોર્ડ-૧એ માં ૨૪૦ વારનાં ૧૦ પ્લોટ સમાજવાડી માટે ફાળવી આપવામાં આવ્યા.તે વખતે આ પ્લોટ પર બાઉન્ડ્રી વોલ બંધાવી સિમેન્ટ ના પતરા વાળી કાચી બે લીંગ અને કાચા જાજરૂ-બાથરૂમ બનાવવામાં આવેલ, જેમાં ખુલ્લી જગ્યા અને આ વીંગ માં જરૂરિયાત મુજબ ના સાધનો વસાવી સમાજના ધાર્મિક તહેવારો અને જ્ઞાતિના સામાજિક પ્રસંગો ઉજવવામાં આવતા હતાં.

            સમય જતા સમાજને એક અદ્યતન સમાજવાડીની જરૂરિયાત જણાતા પ્રથમ તે વખતના તત્કાલીન પ્રમુખ શ્રી અમૃતલાલ ગાંગજીભાઈ પુજારા તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ ના પ્રયત્નો થકી આ ૧૦ પ્લોટનું એકીકરણ કરવામાં આવ્યું, ત્યારબદ પ્લાન-એસ્ટીમેન્ટ મુજબ પ.પુ. સદૂગુરૂ ધ્યાની સ્વામીજી ના પાવન હસ્તે તા. ૧૯-૦૧-૧૯૯૫ ના રોજ આપણી આ સમાજવાડીનું ભુમિપુજન કરવામાં આવેલ હતું. ત્યારબાદ જ્ઞાતિજનો નો અનેરો ઉત્સાહ અને દાતાશ્રી ઓના સહયોગ થી તેમજ જ્ઞાતિના અગ્રણી સ્વ. શ્રી સદૂગત શાંતિલાલ ટોકરશીભાઈ ભીંડે, શ્રી મંગળજીભાઈ હરજીવનભાઈ કારીયા, શ્રી પ્રાગજીભાઈ મજીઠીયા વિગેરે અગ્રણીઓના પ્રેરણાદાયી કાર્યો તેમજ આપણી જ્ઞાતિના એન્જીનીયર શ્રી પંકજભાઈ ઠક્કર(હાલે એસ.આર.સી ડાયરેક્ટર), શ્રી ભરતભાઈ ગંધા, શ્રી ધીરેન્દ્રભાઈ તન્ના ની દેખરેખ હેઠળ એક અધ્યતન વાડી સંકુલ નું કાર્ય પાર પાડવામાં આવ્યું,તેમજ અત્રે એ ઉલ્લેખનીય બાબત છે કે આપણા સમાજની સ્થાપના સમય બાદ ૨૫ વર્ષ થી પણ વિશેષ સમય થી સમાજ ના ઉપપ્રમુખ શ્રી શીવલાલભાઈ ભગવાનજીભાઈ પોપટ ની સમાજ સેવા ઓ ઉપયોગી રહી છે.

            વર્ષ ૨૦૦૧ ની સાલમાં આવેલ ભયાનક ભુંકપ બાદ બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલ અને ઉદ્યોગપતિ એવા સમાજના યુવા અગ્રણી શ્રી જયેશભાઈ વીઠ્ઠલદાસ અનમે આદિપુર લોહાણા સમાજનું પ્રમુખપદ સંભાળતા તેમની સુઝબુઝ થી સમાજની જરૂરિયાત ને ધ્યાનમાં લઈ સમાજવાડી સંકુલને અધ્યતન સુવિધાસભર બનાવવામાં આવ્યું.

            ત્યારબાદ અન્ય સુધારા-વધારા સાથે સમાજના માજી પ્રમુખ શ્રી દયારામભાઈ માણેક ના પ્રયત્નો થી સમાજવાડીમાં મંદિરની જરૂરિયાત પૂર્ણ કરવામાં આવી.

            આપણા સમાજના હાલ ના પ્રમુખ શ્રી બળવંતભાઈ રાજદેના પ્રયત્નો થકી ઉચ્ચશિક્ષણ જાગ્રુતિ સેમિનાર, સમાજવાડીના શૌચાલય સુધારણી કાર્ય, ઠંડા પાણીના પરબ(દાતા શ્રીમતિ ઉષાબેન ઠક્કર) તેમજ વાડી સંકુલમાં એક હોલ વાતાનુકુલન બનાવવાની તથા અદ્યતન ઑફિસ અને વાડી સંકુલનું સંપૂર્ણ રંગ-રોગાણનું કાર્ય કરાવવાની તેઓની ઇચ્છા સર્વે અગ્રણીઓના પ્રયત્નો થકી પૂર્ણ થયેલ છે, એવું તેમની મુલાકાતમાં જણાવાયેલ છે.

||  જય શ્રી રામ  ||  જય શ્રી જલારામ  ||  જય શ્રી દરિયાલાલ  ||

સંકલનકાર-
શ્રી ચંદુલાલ ટી. સોમેશ્વર,
સહમંત્રી,
શ્રી આદીપુર લોહાણા મહાજન.